ડો. મનમોહન સિંહ | Manmohan Singh

ડો. મનમોહન સિંહ
શ્રી ડો. મનમોહન સિંહ

“હજારો, જવાબો. સે અચ્છી હૈ મેરી ખામોશી,
ન જાને કિતને સવાલો કી આબરૂ રખી!”


“શિક્ષા. વહ શક્તિ હૈ જો કિસી ભી સમાજ કો બદ્દલ સકતી હૈ,
યહ હમારે ભવિષ્ય કો ઉજજવલ બનાને કી કુંઝી હૈ"


→ જન્મ : 26 સપ્ટેમ્બર, 1932

→ મૃત્યુ: 26 ડિસેમ્બર, 2024

→ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા


પ્રારંભિક જીવન અને શિક્ષણ

→ ડો. મનમોહન સિંઘનો જન્મ 26 સપ્ટેમ્બર, 1932ના રોજ બ્રિટિશ ભારતમાં પંજાબ પ્રાંતના ગાહ (હવે પાકિસ્તાન) ખાતે શિખ પરિવારમાં થયો હતો.

→ પિતાનું નામ : શ્રી ગરમખ સિંહ કોહલી

→ માતાનું નામ : શ્રીમતી અમૃત કૌર હતું.

→ પત્નીનું નામ : શ્રીમતી ગુરુ શરણ કૌર

→ શરૂઆતમાં સ્થાનિક ગુરુદ્વારામાં શિક્ષણ મેળવ્યું હતું, જ્યાં તેમણે ઉર્દુ અને પંજાબીનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું હતું.

→ 1937માં તેઓ સ્થાનિક સરકારી પ્રાથમિક શાળામાં દાખલ થયા, જ્યાં તેમણે 10 વર્ષની વય (વર્ગ-4) સુધી તેમનું ઉર્દુ-માધ્યમ શિક્ષણ ચાલું રાખ્યું હતું.

→ ત્યારબાદ તેઓ અને તેમનો પરિવાર પેશાવરમાં રહેવા ગયા હતા.

→ ભારત-પાકિસ્તાન વિભાજન બાદ તેમનો પરિવાર ભારતમાં સ્થળાંતર થયો હતો.

→ વર્ષ 1948માં તેમનો પરિવારે અમૃતસરમાં સ્થળાંતરિત થયો હતો. જ્યાં ડો. મનમોહન સિંઘએ અમૃતસરની હિન્દુ કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

→ પંજાબ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને અનુક્રમે 1952 અને 1954માં તેમની સ્નાતક અને માસ્ટર ડિગ્રી મેળવી હતી.

→ તેમણે 1957માં યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ (યુકે) ખાતે અર્થશાસ્ત્રનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેઓ સેન્ટ જોન્સ કોલેજના સભ્ય હતા.

→ કેમ્બ્રિજ પછી તેઓ ભારત પાછા ફર્યા હતા અને પંજાબ યુનિવર્સિટીમાં શિક્ષક તરીકે સેવા આપી હતી.

→ 1960માં તેઓ તેમના ડીફિલ માટે ઓક્સફોર્ડ યુનિવર્સિટી ગયા, જ્યાં તેઓ નફિલ્ડ કોલેજના સભ્ય હતા.

→ ઇયાન લિટલની દેખરેખ હેઠળ તેમની 1962ની ડોક્ટરલ થીસીસનું શિર્ષક હતું. "ભારતનું નિકાસ પ્રદર્શન, 1951-1960, નિકાસની સંભાવનાઓ અને નીતિની અસરો'' અને પછીથી તેમના પુસ્તક “ઈન્ડિયાઝ એક્સપોર્ટ ટ્રેન્ડસ એન્ડ પ્રોસ્પેક્ટસ કોર સેલ્ફ-સસ્ટેન્ડ ગ્રોથ' માટેનો આધાર હતો.

→ ડી. ફીલ. પૂર્ણ કર્યા બાદ તેઓ ભારત પરત ફર્યા હતા. તેઓ 1957થી 1959 સુધી પંજાબ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના વરિષ્ઠ લેક્ચરર હતા.

→ 1959 અને 1963 દરમિયાન તેમણે પંજાબ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના રીડર તરીકે સેવા આપી હતી.

→ ત્યારબાદ તેઓ 1966 થી 1969 દરમિયાન યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD) માટે કામ કરવા ગયા હતા.

→ બાદમાં તેમની અર્થશાસ્ત્રી તરીકેની પ્રતિભાને કારણે શ્રી લલીત નારાયણ મિશ્રા દ્વારા વિદેશ વેપાર મંત્રાલયના સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

→ 1969 થી 1971 સુધી તેઓ દિલ્હી યુનિવર્સિટી ઓફ ઈકોનોમિક્સ, દિલ્હી સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય વેપારના પ્રોફેસર હતા.

→ તેઓ હંમેશા વાદળી રંગની પાઘડી પહેરતા હતા.

→ તેમના જીવન પર 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' ફિલ્મ બની હતી. જેમાં તેમનું પાત્ર શ્રી અનુપમ ખેરએ ભજવ્યું હતું.


ભારત સરકારમાં મુખ્ય પદ

મુખ્ય આર્થિક સલાહકાર

→ વર્ષ 1972માં ડો. મનમોહન સિંઘ નાણાં મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર હતા.

સચિવ

→ વર્ષ 1976માં ડો. મનમોહન સિંઘ નાણા મંત્રાલયના સચિવ બન્યા હતા.

RBIના ગવર્નર

→ ડો. મનમોહન સિંઘએ ભારતીય રિઝર્વ બેંક (RBI)ના 15માં ગવર્નર તરીકે 1982 થી 1985 દરમિયાન સેવા આપી હતી.

→ ચલણી નોટો પર હસ્તાક્ષર ધરાવનાર એકમાત્ર વડાપ્રધાન છે.

આયોજન પંચ

→ તેમણે આયોજન પંચમાં ઉપાધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. (1985-87)

દક્ષિણ કમિશન

→ 1987 થી 1990 સુધી તેઓ દક્ષિણ કમિશનના સેક્રેટરી જનરલ હતા.

→ દક્ષિણ કમિશન સ્વતંત્ર આર્થિક નીતિ ર્થિંક ટેન્ક છે. તેમનું મુખ્ય મથક સ્વિત્ઝર્લેન્ડના જિનીવા ખાતે આવેલું છે.

આર્થિક બાબતોના સલાહકાર

→ શ્રી ચંદ્ર શેખરના કાર્યકાળ દરમિયાન ભારતના વડાપ્રધાનના આર્થિક બાબતોના સલાહકાર તરીકે પદ સંભાળ્યું હતું.

UGCના અધ્યક્ષ

→ માર્ચ 1991માં તેઓ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ બન્યા હતા.


રાજકીય કારકિર્દી


નાણાંમંત્રી (1991-1996)

→ તેમણે પી. વી. નરસિમ્હા રાવની સરકારમાં 1991 થી 1996 સુધી 22માં કેન્દ્રીય નાણામંત્રી તરીકે સેવા આપી હતી.

→ 1991માં ભારત ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું હતું ત્યારે તેમને નાણામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા.

→ નાણામંત્રી તરીકે ડો. મનમોહન સિંધનો કાર્યકાળ ભારતના ઈતિહાસમાં એક નવો વળાંક માનવામાં આવે છે.

→ તેઓ નાણામંત્રી બન્યા ત્યારે અનામત માત્ર 1 બિલિયન યુ.એસ ડોલર જેટલી હતી, જે બે અઠવાડિયાની આયાત માટે ચુકવણી કરવા માટે પુરતી હતી.

→ 1991માં વિદેશી હુંડિયામણ તળીયે પહોંચી જતા આયાતી ખર્ચને પહોંચી વળવા દેશનું સોનું બેંક ઓફ ઈંગ્લેન્ડ પાસે ગિરવે મૂકવું પડયું હતું.

→ વર્ષ 1991ના એ દોરમાં નાણામંત્રી બનીને તેમણે આર્થિક ઉદારીકરણનો દોર શરૂ કર્યો હતો. અને અર્થવ્યવસ્થાને મુશ્કેલ દોરમાંથી બહાર કાઢવામાં તેમને સફળતા મળી હતી.

→ તત્કાલીન વડાપ્રધાન શ્રી પી. વી. નરસિમ્હા રાવએ ડૉ. મનમોહન સિંઘ સાથે મળીને LPG (ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ) સુધારાની શરૂઆત કરી હતી.

→ LPG-Liberalization, Privatization, Globalization

→ ડો. મનમોહન સિંઘએ નિકાસને વેગ આપવા માટે રૂપિયાના અવમૂલ્યન અને ઔધોગિક અડચણો ઘટાડવા લાયસન્સ રાજને નાબૂદ કરવા સહિતના મુખ્ય સુધારાઓ અમલમાં મૂક્યા હતા.

→ તેમણે વૈશ્વિક મૂડીને આકર્ષવા માટે વિદેશી રોકાણ નીતિઓને પણ ઉદાર બનાવી હતી, જેણે ભારતની અર્થવ્યવસ્થાને સ્થિર કરવામાં અને વૃદ્ધિ કરવામાં મદદ કરી હતી.


રાજ્યસભામાં

→ ડો. મનમોહન સિંઘ પ્રથમ વખત આસામ રાજ્યમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. અને 1905, 2001, 2007 અને 2013માં ફરીથી ચૂંટાયા હતા.

→ 1998 અને 2004 સુધી જયારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં હતી ત્યારે તેઓ રાજ્યસભામાં વિપક્ષના નેતા હતા. આ ઉપરાંત 2019 થી 2024 સુધી રાજસ્થાન રાજ્યમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

→ 1999માં દક્ષિણ દિલ્હી લોકસભા માટે ચૂંટણી લડી હતી પરંતુ તેમની હાર થઈ હતી.

→ નોંધનીય છે કે તેઓ વડાપ્રધાન પણ રાજ્યસભાના સાંસદ તરીકે જ બન્યા હતા.

→ તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલ હતા.


વડાપ્રધાન

→ ડૉ. મનમોહન સિંઘએ ભારતના 13માં વડાપ્રધાન તરીકે બે વખત સેવા આપી હતી.

→ તેઓ સૌપ્રથમ વર્ષ 2004માં વડાપ્રધાન બન્યા હતા અને 2009 સુધી સેવા આપી હતી. ત્યારબાદ વર્ષ 2009માં ફરી વડાપ્રધાન બન્યા હતા અને 2014 સુધી સેવા આપી હતી.

→ તેમના કાર્યકાળ દરમિયાન અર્થતંત્ર વાર્ષિક 8-9%ની વૃદ્ધિ સાથે ભારતે સતત આર્થિક વૃદ્ધિનો અનુભવ કર્યો હતો.

→ 2007માં ભારત વિશ્વની બીજી સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું હતું. તથા તેમણે 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટીમાંથી ભારતનું સંચાલન કર્યું હતું.

→ તેમના કાર્યકાળ દરમિયાન થયેલા મહત્ત્વના ઐતિહાસિક કામ અને સિદ્ધિઓ

  • મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA) 2006માં શરૂ કર્યો, આ કાર્યક્રમ ગ્રામીણ પરિવારોને 100 દિવસના વેતન રોજગારની ખાતરી આપે છે. (2005માં આ કાયદો ઘડવામાં આવ્યો હતો. જેનો 2006માં અમલ થયો હતો.)
  • માહિતી અધિકાર અધિનિયમ 2005 પસાર થયો.
  • શિક્ષણનો અધિકાર અધિનિયમ (2009) : તેમણે 6-14 વર્ષની વયના બાળકો માટે શિક્ષણને મૂળભૂત અધિકાર બનાવ્યો હતો.
  • ખાદ્ય સુરક્ષા કાયદો : તેમણે બે તૃતિયાંશ વસતી માટે સબસિડીવાળા અનાજની ખાતરી કરી.
  • તેમણે હાઈવે, એરપોર્ટ અને પાવર જનરેશન સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસને વેગ આપ્યો.
  • તેમણે સુવર્ણ ચતુર્ભુજ પ્રોજેક્ટ શરૂ કર્યો અને જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન મિશન રિન્યુઅલ મિશન (JNNURM) જેવા કાર્યક્રમો દ્વારા શહેરી માળખાગત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
  • તેમણે અમેરિકા સાથેના સંબંધો સુધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
  • 2005માં તેમણે ભારત અમેરિકા નાગરિક પરમાણુ કરાર અથવા 123 કરારની શરૂઆત કરી હતી. જે જ્યોર્જ બુશ સાથેની ચર્ચાઓ બાદ 2005માં સંરક્ષણ માળખા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
  • ઈન્ડો-યુએસ સિવિલ ન્યુક્લિયર ડીલ (2008)એ એક સીમાચિન્હરૂપ કરાર છે જેણે ભારતના પરમાણુ અલગતાનો અંત લાવ્યો અને નાગરિક પરમાણુ ટેકનોલોજી સુધી પહોંચવાની મંજૂરી આપી.
  • 2009માં ઓળખ માટે આધારકાર્ડની શરૂઆત થઈ હતી.

  • પુરસ્કારો

    ડો. મનમોહન સિંઘને મળેલા મહત્ત્વના પુરસ્કારો અને સન્માન નીચે મુજબ છે :
  • પદ્મભૂષણ (1987
  • ઓર્ડર ઓફ કિંગ અબ્દુલ આઝીઝ-સાઉદી અરેબિયા (2010)
  • ઓર્ડર ઓફ પાઉલોનિયા ફફ્લાવર્સ-જાપાન (2014)
  • આ ઉપરાંત ડો. મનમોહન સિંઘને અસંખ્ય પરસ્કારો, પદવીઓ અને સન્માન પ્રાપ્ત થયા છે.

  • LPG સુધારાઓ વિશે પરીક્ષાલક્ષી માહિતી

    → તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવે તત્કાલીન નાણામંત્રી ડો. મનમોહન સિંઘ સાથે મળીને 1.PG સુધારાઓ (ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ)ની શરૂઆત કરી હતી.

    → જે કટોકટીમાંથી બહાર આવવા અને ટકાઉ વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે ભારતની આર્થિક વ્યૂહરચનાના પાયાના પથ્થર તરીકે રજૂ કરવામાં આવ્યા હતા.


    ઉદરીકરણ (Liberalisation)

    → નવી વેપાર નીતિ : લાયસન્સ પ્રક્રિયામાં સુધારો કરીને અને બિન-આવશ્યક આયાતને નિકાસ સાથે જોડીને નિકાસને વેગ આપવા માટે રજૂ કરવામાં આવી હતી.

    → એક્ઝિમ સ્ક્રિપ્સઃ સરકારે નિકાસ સબસિડી દુર કરી અને તેના બદલે નિકાસના મૂલ્યના આધારે નિકાસકારો માટે ટ્રેડેબલ એક્ઝિમ સ્કિપ્સ રજૂ કરી હતી.

    → આ નીતિએ આયાત પર રાજ્યની માલિકીની કંપનીઓના એકાધિકારનો અંત લાવ્યો અને ખાનગી ક્ષેત્રને સ્વતંત્ર રીતે માલની આયાત કરવા માટે સક્ષમ બનાવ્યું.

    → લાયસન્સ રાજનો અંતઃ નવી ઔદ્યોગિક નીતિએ લાયસન્સ રાજને તોડી પાડયું, વેપારના પુનઃગઠન અને મર્જરને સરળ બનાવવા માટે એકાધિકાર અને પ્રતિબંધિત વેપાર વ્યવહાર કાયદાની જોગવાઈઓને હળવી કરી.

    → આ નીતિએ રોકાણના સ્તરને ઘ્યાનમાં લીધા વિના, 18 ઉધોગો સિવાયના તમામ માટે ઔદ્યોગિક લાયસન્સંગ નાબૂદ કરી દીધું.


    ખાનગીકરણ (Privatisation)

    → FDI સુધારા : 40%ની અગાઉની મર્યાદાની સરખામણીમાં 51% સુધીના વિદેશી સીધા રોકાણ (FDI) માટે સ્વચાલિત મંજૂરી રજૂ કરવામાં આવી હતી.

    → જાહેર ક્ષેત્રના એકાધિકાર પ્રતિબંધ: જાહેર ક્ષેત્રનો એકાધિકાર રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ ક્ષેત્રો પુરતો મર્યાદિત હતો.

    → ખુલતા બજારો (Opening Markets) : આ ફેરફારોએ ભારતમાં વેપાર કરવાનું સરળ બનાવ્યું, જે પછીના વર્ષોમાં વિદેશી ચીજવસ્તુઓ અને રોકાણોને આકર્ષિત કર્યા હતા.


    વૈશ્વિકરણ (Globalisation)

    → આર્થિક નીતિઓ : આ સુધારાનો હેતુ ભારતના અર્થતંત્રને વૈશ્વિક બજાર સાથે એકીકૃત કરવા, આંતરરાષ્ટ્રીય વેપાર અને રોકાણને પ્રોત્સાહિત કરવાનો છે.

    → નિકાસમાં વધારો : રૂપિયાના મોટા અવમૂલ્યન અને અને નવી વેપાર નીતિઓ સાથે, ભારતીય નિકાસ વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બની.


    LPG સુધારાની અસર

    → ભારતમાં LPG સુધારાને કારણે ઉચ્ચ આર્થિક વૃદ્ધિ થઈ, જેમાં GDP 1991માં 270 બિલિયન અમેરિકન ડોલરથી વધીને 2020માં 2.9 ટ્રિલિયન અમેરિકન ડોલર થઈ ગયો.

    → FDIના પ્રવાહમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જે 1991માં 97 મિલિયન અમેરિકન ડોલરથી 2020-21માં 82 બિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચી ગયો છે.

    → આઈટી, ટેલિકોમ અને ઓટોમોબાઈલ જેવા ક્ષેત્રોમાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપતા સુધારાઓએ લાયસન્સ રાજને નાબૂદ કર્યુ.

    → આ સુધારાઓએ નોકરીઓનું સર્જન કર્યુ અને ગરીબીમાં ઘટાડો કર્યો, તેમ છતાં નોકરીની ગુણવત્તા અને આવકની અસમાનતા અંગે ચિંતાઓ છે.

    → આ સુધારાઓએ ભારતીય અર્થતંત્રને વૈશ્વિક અર્થતંત્રમાં એકકૃત કર્યું, વેપાર અને રોકાણ પ્રવાહમાં વધારો કર્યો, વૈશ્વિક વેપારમાં ભારતનો હિસ્સો 1991માં 0.5% થી વધીને 2022માં લગભગ 2% થયો.



    → 26 ડિસેમ્બર, 2024ના રોજ તેમની તબિયત બગડતા દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું હતું.

    → તેમના નિધન 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો. તથા રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ લહેરાવવામાં આવ્યો હતો.

    → આ ઉપરાંત મોરેશિયસ સરકારે પણ શ્રી મનમોહન સિંઘના સન્માનમાં દેશમાં અડધી કાઠીએ ધ્વજ લહેરાવ્યો હતો.

    → નવી દિલ્હીમાં નિગમ બોધ ઘાટ ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે ડો. મનમોહન સિંઘના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.


    → WhatsApp Group Click

    → Facebbok Page Click


    Post a Comment

    0 Comments